સમાસ એટલે શું? બે કે બેથી વધારે પદો, શબ્દો કે રૂપો જોડાઈને જે રચના બને તેને સમાસ કહે છે. સમાસના અંગભૂત ઘટકો ભાષામાં સ્વતંત્રપણે વાપરી શકાય તેવા જ હોવા જોઈએ. દા.ત. આનંદમય. આ શબ્દમાં આનંદ એ શબ્દ જ ભાષામાં સ્વતંત્રપણે વપરાય છે જ્યારે મય જેવા ઘટકો સ્વતંત્રપણે ક્યારેય વપરાતા નથી.
સમાસ એટલે શું? સમાસમાં બે પદો કે શબ્દો સાથે આવે છે ત્યારે એમની વચ્ચેનાં સંબંધદર્શક તત્ત્વોનો લોપ થતો હોય છે. તેથી સમાસના ઘટકોને છૂટાં પાડીએ કે એમનો વિગ્રહ કરીએ ત્યારે એ બે પદો વચ્ચે કઈ જાતનો સંબંધ છે તે દર્શાવવું પડે છે. દા.ત. રામલક્ષ્મણ – રામ અને લક્ષ્મણ સામાસિક શબ્દોમાં બંને ઘટકો હંમેશા ભેગા જ લખાય છે. એમનો વિગ્રહ કરીએ ત્યારે જ સમાસના અંગભૂત ઘટકો જુદા લખાય છે.
સમાસનું વર્ગીકરણ: સામાસિક શબ્દના પદો પૈકી ક્યાં ક્યાં પદો ક્રિયાપદ સાથે જોડાય છે એને લક્ષમાં રાખી આવું વર્ગીકરણ થતું હોય છે. આ વર્ગીકરણના ત્રણ પ્રકાર પડે છે. ૧. સર્વપદપ્રધાન સમાસ ૨. એકપદપ્રધાન સમાસ ૩. અન્યપદપ્રધાન સમાસ
સર્વપદપ્રધાન સમાસ: જે સમાસના બંને પદોનો મોભો સરખો હોય અને એ દરેક પદ વાક્યમાંના ક્રિયાપદ સાથે સંબંધ ધરાવી શકતું હોય તો આવા સમાસને સર્વપદપ્રધાન સમાસ કહે છે. આ પ્રકારના સમાસમાં બંને પદ મુખ્ય પદ હોય છે . જેમ કે , ગામપરગામ , લોકમેળો , દેશવિદેશ , વગેરે દ્વન્દ સમાસ આ કોટીનો છે.
એકપદપ્રધાન સમાસ: જે સમાસના બંને ઘટકોમાંથી કોઈ એક જ ઘટક વાક્યમાંના ક્રિયાપદ સાથે જોડાઈ શકતું હોય કે માત્ર એક જ પદ પ્રધાન હોય તેવી સમાસરચનાને એકપદપ્રધાન સમાસ કહે છે. જન્મકેદ , પરગામ , દૂધપીતું , વગેરે તત્ત્પુરુષ , કર્મધારય , દ્વિગુ , મધ્યમપદલોપી વગેરે આ કોટિના સમાસ છે.
અન્યપદપ્રધાન સમાસ: જે સમાસમાં બંને પદો ગૌણ હોય અને કોઈ બહારના કે અન્ય પદની પ્રધાનતા હોય અથવા એક પદ અન્ય પદની વિશેષતા બતાવતું હોય ત્યારે જે સમાસ બને તેને અન્યપદપ્રધાન સમાસ કહે છે. જેમ કે , માથાભારે , આ શબ્દમાં માથું કે ભારે પદો ‘ માણસ ’ જે બહારનું પદ છે એની સાથે જ સંબંધિત થઈ અર્થ દર્શાવે છે. બહુવ્રીહિ અને ઉપપદ આ કોટિના સમાસ છે.
સમાસ : પ્રકારો
દ્વન્દ સમાસ: દ્વન્દ એટલે જોડકું. આ સમાસ સમુચ્ચય કે વિકલ્પનો સંબંધ ધરાવે છે. આ સમાસનો વિગ્રહ કરવા માટે ‘ અને ’, ‘ ને ’ ‘ કે ’ ‘ અથવા ’ એ સંયોજકો જ મૂકી શકાય છે. જેમ કે , માબાપ = મા અને બાપ ભજનકીર્તન = ભજન અને કીર્તન રાતદિવસ = રાત કે દિવસ વહેલોમોડો = વહેલો કે મોડો સુખદુ:ખ = સુખ કે દુ:ખ
તત્પુરુષ સમાસ: આ સમાસમાં પદો વચ્ચે વિભક્તિનો સંબંધ જ હોય છે. એમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે કોઈ ને કોઈ વિભક્તિ-સંબંધથી જ જોડાય છે . જેમ કે , રત્નજડિત = રત્ન વડે જડિત ઋણમુક્ત = ઋણમાંથી મુક્ત
મધ્યમપદલોપી સમાસ: આ સમાસ તત્પુરુષ સમાસનો જ એક પેટા પ્રકાર ગણાય છે. પરંતુ આ સમાસમાં બે પદો વચ્ચે સંબંધ તો વિભક્તિનો જ હોય છે છતાં વિગ્રહ કરતી વખતે કોઈ ખૂટતું પદ (જેનો લોપ થયો છે તેવું પદ) મૂકીએ ત્યારે જ અર્થ સ્પષ્ટ થાય છે. જેમ કે , આગગાડી = આગ વડે (ચાલતી) ગાડી
ઉપપદ સમાસ: આ પ્રકારના સમાસમાં પણ સંબંધ તત્પુરુષ જેવો જ હોવા છતાં સમાસનું ઉત્તરપદ ક્રિયાપદ કે ક્રિયાદર્શક પદ હોય છે. ઉપપદ સમાસનું એકેય પદ સ્વતંત્ર રીતે વાક્યમાંના ક્રિયાપદ સાથે સંકળાતું નથી. વાક્યમાં એ સામાસિક શબ્દ વિશેષણ તરીકેની જ કામગીરી બજાવે છે. જેમ કે , ખીસાકાતરુ = ખીસાનો કાતરુ પણ ‘ કાતરુ ’ શબ્દ કાતર(વું) ક્રિયાપદ છે. લેભાગુ = લઈને ભાગનાર આશાજનક = આશાને જનમાવનાર
કર્મધારય સમાસ: આ સમાસમાં બે પદો વચ્ચે વિશેષણ-વિશેષ્યનો કે ઉપમાન-ઉપમેયનો સંબંધ હોય છે. સામાન્ય રીતે સમાસનું પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકેની કામગીરી કરે છે. જેમ કે , મહેશ્વર = મહા (વિશેષણ) ઈશ્વર (વિશેષ્ય) ઉપમાન-ઉપમેયનો સંબંધ મુખચંદ્ર = ચંદ્ર જેવુ મુખ વીજળીવેગ = વીજળી જેવો વેગ
બહુવ્રીહિ સમાસ: આ સમાસ કર્મધારય સમાસ જેવો છે. આ સમાસમાં બંને પદો મળી જે સામાસિક શબ્દ બને છે તે બહારના કોઈ પદના વિશેષણની કામગીરી કરે છે તેને બહુવ્રીહિ સમાસ કહે છે . ટૂંકમાં બે પદો વચ્ચે વિશેષણ-વિશેષ્યનો સંબંધ હોય , વિભક્તિનો સંબંધ હોય અને સમસ્ત પદ બીજા કોઈ પદના વિશેષણ તરીકે વપરાયુ હોય ત્યારે જ એ બહુવ્રીહિ સમાસ બને છે. જેમ કે , મહાબાહુ = મોટા (વિશેષણ) બાહુ (સંજ્ઞા કે વિશેષ્ય) = કર્મધારય પરંતુ ‘ મહા છે બાહુ જેના તે ’ – એમ વિગ્રહ કરીએ ત્યારે બહુવ્રીહિ સમાસ બને છે. નમાયું = નથી મા જેને તે (એવું બાળક)